તાપી જિલ્લાના તાલુકા મથક વાલોડ ખાતેના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરીથી સૌ પરિચિત છે, છેલ્લા 3 વર્ષથી આ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃતિઓથી માનવતાની મહેક ફેલાવી રહ્યું છે. કોવિડ-19નો કાળ શરૂ થયો છે ત્યારથી આ ટ્રસ્ટના સ્વયંસેવકો પોતાના તન, મન, ધનથી કાર્યરત છે.
જેમાં પગપાળા શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી હોય કે વતન તરફ જતા એમને માર્ગમાં પાકું ભોજન આપવાની કામગીરી. લોકડાઉનના સમય દરમિયાન સરકાર દ્વારા બનાવેલા શેલ્ટર હોમમાં નિત્ય સવાર-સાંજનું ભોજન પૂરું પાડવાની કામગીરી સતત 40 દિવસો સુધી કરી. આ સાથે માસ્ક, સેનિટાઈઝર, ઉકાળા, ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખતી દવાઓનું નિ:શુલ્ક વિતરણ હોય કે બેનરો દ્વારા લોકોને કોવિડની ગંભીરતા અંગે સતત લોકજાગૃતિ કાર્યક્રમો અવિરત ચાલું રાખ્યા છે.
હાલ, આ ટ્રસ્ટે સરકારી રસીકરણ કાર્યક્રમને વેગ આપવાનું બીડું ઝડપ્યું છે. જેમાં ગામના તથા આસપાસના 60 વર્ષથી ઉપરના તથા 45 વર્ષથી 59 વર્ષ સુધીના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, થાયરોઈડ વિગેરે બીમારી ધરાવતા 2000થી વધુ લોકોને રસી અપાવી ચૂક્યા છે.
રસીકરણમાં વિઘ્ન સમાન ભ્રામક માન્યતાઓને લોકોના મનમાંથી દૂર કરવા અને વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે એવા પ્રયત્નો રૂબરૂ મુલાકાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મદદથી કરી રહ્યા છે. પોતાના ગામના દરેક લોકોનું રસીકરણ થાય એ માટે કોલ સેન્ટર ઊભું કરી લોકોને ફોન દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ હાલ રસીકરણને પોતાનું મિશન બનાવી સરકારને અને સમાજને વધુમાં વધુ મદદરૂપ બનવાનું બીડું ઝડપ્યું છે. હાલ એક અનોખી પહેલ હેઠળ રસી માટે આવનારને ખજૂરનું પેકેટ અને માસ્ક તથા ઇમ્યુનીટી બૂસ્ટર દવાઓનું વિતરણ કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500